૪
ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જુએ, ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !
“કુંવરી બા ! ચાલો પૂજા કરવા.”
“જા એકલી તું મરવા !”
નગરને બારણે બારણે શ્રીમતી રખડી, એણે પોકાર કર્યો કે “હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવે ? રાજાજીની શું આટલી બધી બીક ? પ્રાણ શું આટલા બધા વહાલા?"
કોઈએ બારણાં બીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊભું ઊભું જાણે કોઈ કહેતું હતું, “સમય જાય છે, પુત્રી શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.” શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠયું. એ ચાલી.
દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદના અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે 'કચેરી બરખાસ !'
એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની? કે કેાઈ ભૂતપ્રેત?