પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પૂજારિણી:



ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચેાપાસ કોઈક દીપમાલા પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તુપ પાસે જઈને જુવે છે તો એક સ્ત્રી સ્તુપની સામે ઘૂંટણ પર બેઠી છે, એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરૂણી ?

નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું. સવાલ કર્યો કે 'મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?'

“હું શ્રીમતી : બુદ્ધ ભગવાનની દાસી.”

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તુપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રિએ, રાજબાગના એ ખૂણાની અંદર, એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.