પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રેષ્ઠ ભિક્ષા:


જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મોનો સાર છે, ઓ ભવી જીવો !”

કૈલાસનાં શિખર પરથી દૂરદૂર સંભળાતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાને કાને ગૂંજવા લાગી.

સૂતેલાં સ્ત્રીપુરૂષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલતઃ ગૃહસ્થો ભાવે છે કે મિથ્યા છે આ આળપંપાળ : ને કોમળ દિલની રમણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે કે ઓહ ! આ અમનચમન આખરે તે કેવાં છે ! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છૂંદાએલાં સુકાએલાં ફૂલો જેવાં જ ને !

ઊંંચી ઊંંચી અટારીઓનાં દ્વાર ઊઘડ્યાં. અાંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાં, સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, 'જાગો ! ભિક્ષા આપો !' એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે.

ઓહો ! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી : એ ઘડી કોણ અભાગી ભૂલે ?

રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરી રત્નો વેર્યાં, કોઈએ કંઠનાં આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી- ચૂંટી ધરી દીધાં, લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો.