પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાચો બ્રાહ્મણ :

૧૭

તારો ! હું માત્ર સત્યકામ ! અર્થહીન એક શબ્દ ! આ મારા જેવા જ અનેક કુમારો આંહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખેાળામાં બેસાડે છે, છાતીએ દાબે છે, ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન !”

શરમાતો શરમાતો એ બાળક આઘે ઊભો રહ્યો. ઋષિ- જીની નજર પડી, સત્યકામને બોલાવ્યો ?

“આંહી આવ, બેટા ! તારૂં ગોત્ર કયું, હે સુંદર બાળક?"

બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી બે મોટી આંખોની પાંપણો આંસુથી ભીંજાઈ, એ બોલ્યો :

“મહારાજ ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની બહુ ભક્તિ કરેલી, એટલે દેવતાઓએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.”

બટુકોની મંડળીમાં હસાહસ ચાલી. મધપુડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઊઠે, તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો.

કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે.

કેાઈ કહે છે કેઃ “અરરર ! એને બાપ જ નહિ.”

કેાઈ બેાલ્યો “ધિ:કાર છે. એને ગોત્ર જ ન મળે.”

કેાઈ કહેઃ “શું મોઢું લઈને એ અાંહીં પાછો આવ્યો ?”

કેાઈ કહેઃ “ગુરુજી એની સાથે કાં વાતો કરે ?”