પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮

:કુરબાનીની કથાએા

સત્યકામની અાંખેામાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો :

“હું પિતાહીન ! હું ગોત્રહીન !”

ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના ટિખળ તરફ; ઋષિની આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફ; બ્રહ્મર્ષિનું હૃદય વિચારે છે કે “ધન્ય છે તને, હે સત્યવાદી બાળક !”

આસન ઉપરથી આચાર્ય ઊભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદિની પાસે એને ખેંચી લીધો ને કહ્યું : “તું ગોત્રહીન નહિ, તું પિતાહીન નહિ, તું અબ્રાહ્મણ નહિ, હે બેટા ! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહિ, હો તાત!”

સ્તબ્ધ બનીને બટુકો જોઈ રહ્યા. એમનાં મોઢાં નીચાં નમ્યાં. તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો. ગુરુદેવને સૌથી વધારે વહાલો બાળ એ સત્યકામ બન્યો.