ર૦
સારુ ભાન ભૂલેલી છે. પુર જોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કેામલ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું, વાસવદત્તા થંભીને ઊભી રહી.
ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિ : હાસ્યભરી એ તરણાવસ્થા : નયનોમાં કરુણાનાં કિરણો ખેલે છે : ઉજ્જવળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે : શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં !
હાય રે રમણી ! આવું રૂપ આજે ધરતી ઉપર રગદોળાય છે. એને ઢાંકવા પૂરાં વસ્ત્રો પણ નથી. તું શું જોઈ રહી છે ? શામાં ગરક થઈ ગઈ છે હેં નારી ? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે.
સંન્યાસીને ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : “હે કિશોર કુમાર ! અજાણ્યે આપને વાગી ગયું. મને માફ કરશો ?”
કરુણામય કંઠે સાધુ બોલ્યા : “કાંઈ ફિકર નહિ, હે માતા ! સુખેથી સીધાવો. તમારે વિલંબ થતો હશે.”
તો યે આ અભિસારિકા કાં હટતી નથી ? એના પગ કોણે ઝાલી રાખ્યા છે ?
ફરીવાર એ દીન અવાજે બોલી : “હે તપસ્વી ! આવું સુકેામલ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છો ? નિર્દય લોકોએ કોઈએ એક સુંવાળું બિછાનું યે ન કરી આપ્યું ?"