પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અભિસાર :

૨૧

સાધુએ અબોલ રહીને હસ્યા જ કર્યું.

“મારે ઘેર પધારશો ? એકાંતમાં પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.”

“હે લાવણ્યના પુંજ ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઈ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિના બોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સીધાવો જેને કોલ દીધો છે તેની પાસે.”

એટલી વારમાં તો અંધારેલાં વાદળાં તૂટી પડયાં. આકાશનું હૃદય ચીરીને વીજળી જાણે ઘર છોડી અભિસાર કરવા નીકળી પડી. ઘોર ગર્જના થઈ. જાણે પ્રલયના શંખ ફુંકાયા. ત્રાસથી એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે કયાં સુધી એ કોમલાંગી ભીંજાણી હશે, થરથર કમ્પી હશે, ને રડી હશે ! એનો અભિસાર એ રાત્રિયે અધૂરો રહ્યો.

*

શ્રાવણ મહિનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણાએ મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. વ્યાકુળ બનીને વાયુ જાણે કોઈને ભેટવા ચાલ્યો છે. માર્ગ પરનાં તરુવરોને કુંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠયાં છે. મથુરા નગરીનાં તમામ નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયાં છે. નિર્જન એ નગરીના ઝરૂખાઓમાં ડોકિયાં કરીકરીને આકાશને ચંદ્ર મલકી રહ્યો છે. દૂરદૂરથી ગળાઈને બંસીના સ્વરો આવે છે. ચંદ્રના એ અજવાળાની