પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨

:કુરબાનીની કથાઓ

અંદર, નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત. પણ એ સંન્યાસી રાત્રિયે કાં રખડે? દૂરદૂરથી બંસીના સ્વરો આવે છે : માથા ઉપર વૃક્ષોની ઘટામાં કોયલ ટહૂકે છે : સામે ચંદ્ર હસે છે : આજે એ તપસ્વીની અભિસારરાત્રિ આવી પહોંચી કે શું ?

નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડયું હતું ?

દુર્ગંધ મારતું એક માનવશરીર : અંગના રોમેરોમમાં શીતળાનો દારણુ રોગ ફાટી નિકળેલો છે. આખો દેહ લોહીપુરમાં લદબદ થઈ ગેગી ગયો છે કાયા સળગીને જાણે કાળી પડી ગઈ છે.

ગામના લેાકેાએ એ ચેપી રોગમાં પીડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે.

પાસે બેસીને સંન્યાસીએ એ બિમારનું માથું ઉપાડી ધીરે ધીરે પોતાના ખેાળામાં મેલ્યું, “પાણી પાણી” નો પોકાર કરતા એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું, કપાળ ઉપર પોતાનો સુકોમળ શીતળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે પોતાને હાથે મર્દન કર્યું' ને પછી દરદીને મધુર અવાજે પૂછયું : “કાંઈ આરામ વળે છે, ઓ સુંદરી ?”

“તમે કોણ, રે દયામય ! તમે કયાંથી આવ્યા?” દુર્બલ અવાજે દરદીએ પ્રશ્ન કર્યો. એની આંખોમાંથી આંસુની ધારા છૂટી.