પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાણીજીના વિલાસ

કાશીનાં મહારાણી કરુણા એક સો સહિયરોની સાથે આજ નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલછલ કરતાં વહે છે અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે, માટે સહુ ઝૂંપડાવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડયાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નટી દિસે છે : જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંતઃપુરના બંદીખાનેથી છૂટેલી એક સો સખીએા આજે શરમનાં બંધન શી રીતે માને ? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ : નદી જાણે એ બસો