રાણીજીના વિલાસ :
અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી,
રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.
રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો. રાજાજીએ વાત સાંભળી. એમની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા.
'રાણીજી ! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર ?' રાજાજીએ પ્રશ્ન કર્યો.
રિસાઈને રાણી બોલ્યાં : 'કયા હિસાબે એ ગંદાં ઝૂંપડાંને તમે ઘરબાર કહો છે ! એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય ? રાજારાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજા ?'
રાજાની આંખોમાં જવાલા સળગી. રાણીને એણે કહ્યું: 'જ્યાંસુધી આ રાજવી ઝરૂખામાં બિરાજયાં છે ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલના ઝૂંપડાં બળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે ! ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.'
રાજાજીએ દાસીને બેલાવી આદેશ દીધો : 'રાણીના રત્નાલંકારો કાઢી નાખો. એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.'
અલંકારો ઊતર્યા. રેશમી એઢણી ઊતરી.
'હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો .' રાજાએ હુકમ કર્યો.