પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૩૬



દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજી રાણીને હાથ ઝાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા. ભરમેદિની વચ્ચે રાજાએ કહ્યું કે 'કાશીનાં અભિમાની મહારાણી ! નગરને બારણે બારણે ભીખ માગતાં માગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂપડાં ફરીવાર ન બંધાવી આપો ત્યાંસુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવીને, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!'

રાજાજીની આંખોમાં આંસુ છલકાયાં, રાણીજી એ ભિખારિણીને વેશે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શકયા નહિ.