પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯

પ્રભુની ભેટ :



પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એક દિવસે બજારમાં વેચવા નીકળ્યા. ચારે બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડુસ્કાં ખાતી ખાતી બોલવા લાગી કે 'રોયા ભગતડા, મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે ? શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો? વિના વાંકે મને રખડતી મૂકીને તેં સાધુનો વેશ, સજ્યો. હાય રે ! મારા પેટમાં મૂકવા એક મૂઠી અનાજ પણ ન મળે, મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી રહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે !'

ભક્તરાજ લગારે ચમકયા નહિ, જરા યે લજ્જા પામ્યા નહિ. એનું પવિત્ર મુખારવિંદ તો મલકાતું જ રહ્યું.

પલવારમાં તો બ્રાહ્મણો એ કકળાટ કરી મૂક્યો : 'ધિ:કાર છે ધુતારા ! ધર્મને નામે આવાં ધતિંગ ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને !'

મલકાતે મુખે કબીરજી બેાલ્યા : 'હે નારી ! સાચેસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહિ રહેવા દઉં. મને માફ કર, ચાલો ઘેરે!'

લોકોના ધિ:કાર સાંભળતા સાંભળતા સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળે દે છે, કાંકરા ફેંકે છે, તો યે ભક્તરાજ તો હસતા જ રહ્યા. એની