પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાએા

૪૦


આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રીપુરુષો ટોળે વળ્યાં, પગલે પગલે શબ્દો સંભળાયા કે 'જોયો આ સાધુડો ! જગતને ખૂબ છેતર્યું.'

ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા : 'બહેન ! ગભરાઈશ નહિ, શરમાઈશ નહિ. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.' સાધુવર એમ કહીને એ નારીને નમ્યા.

એ અધમ નારીનું હૃદય પલકવારમાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં, સાચાં આંસુની ધારા છૂટી. એ બોલી કે 'મને ક્ષમા કરો ! પૈસાના લોભમાં પડીને મેં મહા પાપ કરી નાખ્યું, મહારાજ ! હું આપઘાત કરીને મરીશ.'

'ના રે ના, બહેન ! મારે તો આજ લીલાલહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બન્ને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહિ.'

ભક્તરાજે જોતજોતામાં તે એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે 'કબીરીઓ તો એક પાખંડી દુરાચારી છે.'

કબીરજી એ વાત સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છે : 'વાહ પ્રભુ ! હું સહુથી નીચે, બરાબર તારા ચરણ આગળ.'