પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વીર બંદો

પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠયા : 'જય ગુરુજી : જય ગુરુજી !'

નગરે, ગામડે અને ઝૂંપડેઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ ઘેાષણાનો પડઘો પડ્યો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઊઠ્યો. માથાના લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી. કમર પર કિરપાણ લટકાવ્યાં વહાલાં સ્વ- જનોની માયા મમતા ઉતારી, અને વૈરીજનોને, વિપત્તિનો, મોતને ડર વિસાર્યો. હજારો કંઠમાંથી ભભકતી જયઘોષણાએ દસે દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમનાં બચ્ચાંઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યાં.

'અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન!'

'અલખ નિરંજન'નો એ બુલંદ લલકાર ઊઠે છે, દુનિયા સાથેની સ્નેહગાંઠોનાં બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે, હજારો છાતીએાની સાથે અફળાઈને ખુશખુશાલ કિરપાણે ઝન ઝન ઝંકાર કરે છે. પંજાબ આખો ગરજી ઊઠ્યો છે : 'અલખ નિરંજન! અલખ નિરંજન!'

એ એક એવો દિવસ આવ્યો છે, કે જ્યારે લાખમલાખ