પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩

વીર બંદો:


આત્માઓ રૂકાવટને ગણકારતા નથી, કરજ કોઈનું શિરે રાખતા નથી, જીવન અને મૃત્યુ જ્યારે માનવી ચરણોનાં ચાકરો બની જાય છે, ચિત્ત જ્યારે ચિંતાવિહીન બને છે. એવો એક દિવસ આજે પંચ-સિંધુને કિનારે આવી પહોંચ્યો છે.

દિલ્હીના શાહી મહેલની સુખશય્યામાં તે વખતે બાદશાહની અાંખ મળતી નથી. જરીક ઢળતાં પોપચાં ઝબકી ઝબકીને ઊઘડી જાય છે. બાદશાહ તાજજુબ બની રહ્યો છે. આ ઘોર મધરાત્રિએ એ કોના કંઠ ગગન-ઘુમ્મટને ગજાવે છે ! આ કોની મશાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે ! આ કેાનાં દળકટક દિલ્લી નગર ઉપર કદમ દેતાં આવે છે ! પંચ-સિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોનાં રૂધિર છોળે ચડયાં છે?

માળામાંથી પાંખો પસારીને નીકળતાં પક્ષીઓની માફક વીર હૈયાં આજે લાખો છાતીઓ ચીરીને જાણે પાંખે ફફડાવતાં નીકળી પડયાં છે. પંચ-સિંધુને તીરે આજે જનેતાઓ બેટાઓનાં લલાટ પર પોતાની ટચલી આંગળીનાં લોહી કાઢી તિલક કરે છે.

તે દિવસના અઘોર રણમાં મોગલો ને શીખો વચ્ચે મરણનાં આલિંગન ભિડાયાં. એકબીજાએ સામસામી ગરદનો પકડી. અંગેઅંગના આંકડા ભિડયા. ગરુડ-સાપનાં જાણે જીવલેણ જુદ્ધ મંડાયાં, ગંભીર મેઘનાદે શીખબચ્ચો પુકારે છે કે 'જય ગુરુ ! વાહી ગુરૂ !' રક્તતરસ્યો મદોન્મત્ત મોગલ 'દીન ! દીન ! દીન !' ના લલકાર કરે છે.

ગુરદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંદો મોગલોના હાથમાં પડ્યો. તુરક સેના એને દિલ્લી તેડી ગઈ. સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા.