પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૪૪



મોખરે મોગલ સેના ચાલે છે, અને એના માર્ગની ડમરી ઊડીને આકાશને ઢાંકે છે. મોગલોનાં ભાલાં ઉપર કતલ થયેલા શીખાનાં મસ્તકો લટકે છે. પાછળ સાતસો શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે. દિલ્લી નગરીના માર્ગ ઉપર માણસો સમાતાં નથી. ઊંચી ઊંચી અટારીએાની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે. એ સાતસો બેડીબંધ શૂરવીરોના સાતસો કંઠમાંથી પ્રચંડ ગર્જના છૂટે છે 'અલખ નિરંજન, અલખ નિરંજન !'

સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે.

'હું પહેલો જઈશ.' 'ના, હું પહેલી ગરદન ઝુકાવીશ.' એ ચડસાચડસીથી શીખ કારાગાર ધણધણી ઊઠયું. પ્રત્યેક દિવસના પ્રભાતે એક સો એક સો બંદીવાનોનાં માથાં રેંસાવા લાગ્યાં. 'જય ગુરૂ !' એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો જાલિ મની સમશેર નીચે નમતી ગઈ. સાત દિવસમાં તો શીખ બંદીખાનું ખાલી થયું, બાકી રહ્યો એકલો વીર બંદો.

પ્રભાત થયું. સભામાં વીર બંદો સાંકળોમાં બંધાયેલો ઊભો છે. એના મોં ઉપર લગારે વેદનાની નિશાની નથી. કાજીએ સાત વરસના એક સુંદર બાલકને હાજર કર્યો; બંદાના હાથમાં એ બાલકને સોંપીને કાજી બોલ્યા : 'બંદા, બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે. પણ મોગલોને હજુ યે તારું પરાક્રમ જોવાની આતુરતા રહી ગઈ છે. તે લે ઓ બહાદુર ! આ બાલકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે.'