પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છેલ્લી તાલીમ

જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ?

ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા. જવાનીને સમયે મારી છાતીમાં મેં કેટલાકેટલા મનેરથો ભરેલા ! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપનું કેટલું સુંદર, ભવ્ય, મોહક ! આજ આ કિરપાણનું પાણી કાં ઊતરી ગયું ? આજ આ ભારતવર્ષને એાળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિઆને ભેટવા તલપે છે? ત્યારે શું આ ભૂલ હતી? જિંદગાની શું એળે ગઈ ?

ગુરુના હૈયામાં એ ઘોર અંધારી સંધ્યાએ આવો સંગ્રામ ચાલી રહેલો છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખેમાં લગાર પાણી આવ્યાં છે.

બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો. પઠાણે ઊઘરાણી કરી : 'ગુરુ ! આજ મારે દેશ જાઉં છું. તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકવો.'