પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૫૨


બપોર થયા. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શત રંજમાં મશગૂલ છે.

પઠાણ વારેવારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે.

સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતાં તે બધાં પોતાને ઘેર ચાલ્યાં ગયાં. રાત્રી જામતી ગઈ. ઝન ! ઝન ! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે.

અચાનક આ શું થયું ? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી ? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું ? પઠાણ સ્તબ્ધ બની ગયો.

અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યા : 'રમ્યાં રમ્યાં, નામર્દ ! પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે ?

વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણુની કમરમાંથી છૂરી નીકળી. પઠાણે ગોવિદસિંહની છાતી એ છૂરીથી વીંધી નાખી.

છાતીમાંથી લોહીની ધારાઓ ઊછળે છે અને ગુરૂદેવ હસીને પઠાણના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે, મરતાં મરતાં ગુરૂ બોલે છે:

'બચ્ચા ! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય, બસ ! આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉ છું, એ પ્યારા પુત્ર !'