પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ન્યાયાધીશ


પૂના નગરની અંદર પેશ્વા વીર રઘુનાથરાવ રાજ કરે છે.

સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી : 'શૂરવીરો ! સજજ થાઓ. મૈસૂરના માલેક હૈદર અલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.'

જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તર સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલ્યા આવે છે, કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય !

આકાશની અંદર વિજય-પતાકા ઊડે છે, શંખ ફૂંકાય છે અને નગરની ૨મણીઓ વિદાયનાં વીર-ગાન ગાય છે. પૂના નગરી જાણે ગર્વથી ધણધણી ઊઠી છે.

ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી.