પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫

ન્યાયાધીશ :


સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિ.'

હસીને રાજાએ જવાબ વાળ્યો: 'મહારાજ ! આજ સામ્રા જ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આરેાપ મૂકીને શું મશ્કરી કરી રહ્યા છે ?'

'મશ્કરી ? સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરૂં, વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તેોળાઈ રહ્યો છે. પ્રજા હાહાકાર કરીને રડી રહી છે, પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને, એ વિચારીને આગળ કદમ ધરજે, પેશ્વા રઘુનાથરાવ !'

રોષ કરીને રઘુનાથ બોલ્યા : 'મહારાજ, રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજ રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું, આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.'

રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઊપડી. શાસ્ત્રીજીએ કહ્યું :

'સિધાવો, રાજા, સિધાવો. યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર અને એ સામ્રાજ્યનો ભાર તને ચગદી નાંખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઈન્સાફની અદાલતમાં ભલે હવે રાજસ્વચ્છંદની રમતો રમાતી.'