સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે.
રાજાના મનમાં થાય છે : “અહો! આ તે શું ધતિંગ ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ! જેને ઘેર લગારે કશી ખામી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નથી ! વ્યર્થ છે. ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લેાભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઇએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.'
એમ વિચારીને મહારાજે કાગળ કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું, બાલાજીને બેલાવ્યો ને આજ્ઞા કરી કે 'ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજે.'