પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧

પ્રતિનિધિ:ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર એક કાપીન, હાથમાં ઝુલી રહી છે એક ઝોળી. એના ગંભીર મોંમાંથી ગાન ઝરે છે 'હે જગત્પતિ, હે શંકર, સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવાડી રહી છે. તમે જ, હે પરમ ભિખારી ! મને એ મૈયાના ખેાળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ !'

ગાન પૂરું થયું, ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એના ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે 'ગુરુદેવ ! આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.'

ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા : 'બોલ, હે બેટા, રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ ? તારામાં શી શી શક્તિ છે, વત્સ ?'

શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે 'તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.'

ગુરુજી કહે કે 'ના, રે ના, બેટા, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝેળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.'