૬૨
હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે
ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાઓ ઘરની અંદર
દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને
બેલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ
ઝોળી લઈને નીકળ્યો છે એ જોઈને શિલા સમાન હૈયાં
પણ પીગળી જાય છે. લોકો લજજાથી નીચે મોંયે ભિક્ષા આપે
છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરથરે છે નગર આખું
વિચારે છે કે 'વાહ રે મહાપુરૂષોની લીલા !'
દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તે એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખો માંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન ?
'હે ત્રિલોકના સ્વામી ! તારી કળા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમી નથી. તો યે માનવીને હૃદયે હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન ? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી ? કંગાલ માનવીના અંતરમાં તેં એવી શી શી દૌલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ.'
ગુરુ ગાતા ગાતા રખડે છે, શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી, નગરની એક બાજુ, નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું, પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.