પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૬૬બધા એક બીજાના મોં સામે જોવા લાગ્યા. કેાઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદિનીની અંદર, ભૂખથી પીડાતા એ પ્રજાજનોની સામે, બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચેાંટી રહી.

ત્યાર પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઊભી થઈ. લાલ લાલ એનું લલાટ છે અને શરમમાં નીચે નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથપીંડદની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવેલાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે એ બાઈ બોલી :

'હે દેવ ! આજે જ્યારે સહુએ નિઃશ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવી કલ્પાંત કરી રહ્યાં છે, તે બધા મારા જ સંતાનો સરખાં મને લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉ છું.'

સાંભળનારા સહુ લોકોને નવાઈ લાગી. ગુરૂદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યાં : 'એ ભિખ્ખુની દીકરી ! તું પોતે પણ ભિખ્ખુની ! એટલું બધું અભિમાન કયાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ ?'