પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્વામી મળ્યા !

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.

પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે, પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલી, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્નદિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.

ભેળાં મળેલાં સગાંવહાલાં આનંદની ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ અચાનક ત્યાં તુલસીદાસજીને જોયા અને આતુર બનીને પૂછયું : 'હે ગોસ્વામી ! તમારા પવિત્ર મુખમાંથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો, એટલે હું સુખેથી ચાલી જઈશ.'

ગોસ્વામીએ પૂછયું, 'માતા, કયાં જવાની આ તૈયારી કરી છે ?'