પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૭૦


એક નિર્જન પર્ણકુટીમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગીને એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીની પાસે જઈને ભકતવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ–કરુણુની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કેાઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું. એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણે છૂટયાં.

સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં : 'કાં, તારે સ્વામી જીવતો થયો કે ?'

વિધવાએ હસીને કહ્યું : 'હા ! સ્વામી તો પાછા આવી ગયા.'

ચમકીને બધા પૂછે છે : 'હેં ! કયાં છે ? કયા ઓરડામાં બેઠા છે ? બતાવ ને ?'

રમણીએ ઉત્તર દીધો : 'આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો ?'