પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૭૨સ્પર્શમણિ ! આહા ! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તે માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈં કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શેભા નિહાળી. પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા, સૂર્યાસ્ત સામે નજર કરી.

બ્રાહ્મણની એક અાંખ આ સુંદરતા ઉપર હતી, બીજી અાંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાતન. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી.

દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડયો. અાંખમાં અાંસુ લાવીને એ ગદ્ગદ સ્વરે બોલ્યોઃ 'અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.'

એમ બોલીને એણે નદીના ઊંડા પાણીમાં મણિ ફેંકી દીધો.

મણિ દેનાર અને મણિ લેનાર બને જીતી ગયાં.