પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કર્ણનું બલિદાન

કુંતી : તું કોણ છે તાત ? અાંહીં શું કરે છે ?

કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો હું પુત્ર : ને રાધા મારી જનેતા, બોલો માડી, કોણ છો તમે ?

કુંતી : બેટા હું એ જ, કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.

કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા ! તો યે–તો યે તમારી અાંખોનાં કિરણો અડ્યે મારું યોદ્વાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કેાઈ અકળ નવી વેદના જગાડે છે, બોલો, બોલો, હે અપરિચિતા ! મારા જન્મની એવી કઈ રહસ્યગાંઠ તમારી સાથે બંધાએલી છે?

કુંતી : ઘડીવાર ધીરો થા બેટા ! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઊતરવા દે. પછી બધું યે કહીશ. મારું નામ કુંતી.