પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૮૦


છે કે મારી માએ મને રઝળતો મૂકેલો. રાત્રિએ સ્વપ્નની અંદર કેટકેટલી વાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહું : ' મા ! ઓ મા ! ઘૂમટો ખોલો. મોઢું બતાવો.' –ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે, શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે ? નજર કરો મા ! સામે કિનારે તો જુઓ ! કૌરવોની અશ્વશાળામાં લાખલાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે ! આજ છેલ્લી રાત્રિયે, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો ? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય ? આજ મારું અંતર 'ભાઈ ભાઈ ' પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દેડી રહ્યું છે?

કુંતી : ત્યારે ચાલ્યો આવ બેટા ! ચાલ્યો આવ.

કર્ણ : આવું છું, મા ! આવું છું. કશું યે પૂછીશ નહિ, લગારે વહેમ નહિ લાવું, જરાએ ફિકર નહિ કરું, દેવી ! તમે જ મારી માતા ! તમારો સાદ પડતાં તે પ્રાણ જાગી ઊઠ્યો છે. આજ યુદ્ધમાં રણશીંગા નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા એ કીર્તિ, એ જય ને એ પરાજય ! ચાલો, તેડી જાઓ, કયાં આવું ?