પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩

કર્ણનું બલિદાન



ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો. કૌર- વોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા !

કુંતી : તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી એ બાપનું રાજ્ય મેળવી લે ને ! યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અજુન તારા રથનો સારથી થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે. શત્રુઓને જીતી, ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા !

કર્ણ : સિંહાસન ! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો, તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી ! એક દિવસ મારી જે દોલત-મારો રક્ત- સંબંધ-તમે ઝૂંટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ-પલકમાં તે એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડી, હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિ- કોટિ ધિ:કાર હજો મને મિત્રદ્રોહીને, માતૃદ્રોહીને !

કુંતી : તું સાચો વીર, બેટા ! ધન્ય છે તને ! હાય રે કર્તવ્ય ! તારી શિક્ષા તે શું આવી વસમી ! તે દિવસે-અરેરે તે કમનસીબ દિવસે કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે ! હાય રે, આવો તે શો શાપ !