પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૮૮


મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ધ્ય ઢોળાયું. મારું-બ્રાહ્મણનું અભિમાન સળગી ઊઠયું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછયું, 'બોલો રાજા, એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતેને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ – અને એક પામર બાલકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા ? ધિ:કાર છે, મહારાજ ! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે, એક બાલકના ભુજ–પાશમાં બંદીવાન બનેલા જોઈને તમારા દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા !'

સોમક : બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યા. પલવાર તો મારું લોહી તપી આવ્યું; બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે 'ક્ષમા કરો મહારાજ, હું શું કરું? મારે એક જ સંતાન છે; મારો જીવ ઝંપતો નથી; પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે, એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે પણ સાક્ષી રહેજો સહુ સભાજનો ! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રીના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.'