પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૧ )


લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં

મહીદીપ છંદ

પ્રેમબન્ધ બન્ધુતણો વિશ્વજનો બોલે,
બાંધિયો પ્રભુધામથી જ જન્મ થકી જોડે;
જનનીજાત ભગિનીભ્રાતની સમાન આંહિં
મનુજરચિત બન્ધુતણો પ્રેમ બને નાહિં. ૧

એમ ભલે વિશ્વ લવે, -મેળવીછ મ્હેં તો
ભગિની એક જેહ-સ્નેહ સુખ અનુપ દેતો;
જનનીજાઈ એહ નાહિં તદપિ તેહ ત્હેવી,
અધિક તેથી વા કહું શું? કોણ તેહ જેવી? ૨

બ્હેની! તેહ તું જ, જગ-અરણ્ય વિશે લાધી
શીતતરુઘટાસમાન હરતી પીડ બાધી.
તું હવાં પરાઈ થઈ દૂર, દૂર ચાલી,
દોહલી ફરી ભેટ થાવી જાણું બ્હેની વ્હાલી! ૩

તો હું ભેટ અલ્પ આજ મંગળ દિન ધારી
અર્પું, તે રખે અમાન્ય કરતી બ્હેની મ્હારી!
દૂર દેશમાં કુટુમ્બકાર્યમાં ગૂંથાઈ
જે ઘડી તું મુજને વિસારી દઈશ કાંઈ. ૪