પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
ભાગ્યોદયનો આરંભ

જુદાં જુદાં ઝાડોના થડમાં બાંધી દીધા. એ પછી તેઓ રાત્રિભોજન તથા અશ્વ અને ઊંટમાટે ઘાસ દાણા વગેરેની શી વ્યવસ્થા કરવી એ વિશેનો વિચાર ચલાવવા લાગ્યા.

તેઓ આવી રીતે વાર્ત્તાલાપમાં નિમગ્ન થયેલા હતા એટલામાં એક ભવ્ય અને તેજસ્વી પુરૂષ ત્યાં આવ્યો અને તેને જોતાં હૃદયમાં કેટલીક અન્ય કલ્પનાઓનો ઉદ્‌ભવ થવાથી તેમના વાર્ત્તાલાપનો પ્રવાહ વચ્ચે જ અટકી પડ્યો. એ નવીન આગંતુક પુરુષનો દેહ ભીમના દેહ સમાન હતો, તેનું મુખમંડળ તેજસ્વી અને તેનો ભાલપ્રદેશ અત્યંત વિશાળ હતો. તેના મનોહર શ્યામવર્ણ તથા તેના મુખમંડળમાંના લાંબા કાતરાને જોતાં જોનારના હૃદયમાં તેનો જે એક પ્રકારનો પ્રભાવ પડતો હતો, તે સર્વથા અવર્ણનીય હતો. તેણે અત્યારે ચોયણું, અંગરખું, આડિયું અથવા ભેઠ અને મસ્તકપર વિશાળ ફેંટો ઈત્યાદિ વસ્ત્રો ધારણ કરેલાં હતાં, તેની કમ્મરે તલ્વાર તથા જંબિયો આદિ બે ત્રણ શસ્ત્રો શોભી રહ્યાં હતાં અને તેના હાથમાં રૂપાથી મઢેલો એક સુંદર હુક્કો હતો ને તેની ટોપીમાં ખેરના લાકડાનો દેવતા રખરખતો હતો. એ પુરુષ મહાદેવના મંદિરના ઓટલાપર બેઠેલા આ બે તરુણ પ્રવાસીઓને જોઇને પ્રથમ તો કાંઈક વિચારમાં પડી ગયો અને ક્ષણ બે ક્ષણ તેમને જોઈ રહ્યો; પરંતુ મુખથી કાંઈ પણ ન બોલતા પ્રથમ જોડા ઊતારી મહાદેવના દર્શનનું કાર્ય તેણે આટોપી લીધું અને ત્યાર પછી ખેંગારજી પાસે આવીને તેની સાથે નીચે પ્રમાણે વાર્ત્તાલાપ આરંભ્યો.

"ભાઈઓ, તમો કોણ છો, ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો ?” તે આગંતુક પુરૂષે એ પ્રશ્નથી વાર્તાલાપનું મંગળાચરણ કર્યું.

એ પ્રશ્નના ઉત્તરમાં ખેંગારજીએ ગંભીર મુખમુદ્રા તથા ગંભીર સ્વરથી જણાવ્યુ કે: “ અમો એક દૂર દેશના નિવાસી છીએ એટલે અમારા તે દેશમાંથી આવ્યા છીએ અને અહીંથી ગુજરાત ભણી જવાના છીએ.”

"તમારો તે દેશ કયો છે, તે દેશમાંના તમારા ગ્રામ કે નગરનું નામ શું છે અને તમારા પિતા તથા પિતામહ આદિના નામો શું છે, તે કૃપા કરીને જણાવશો ?” તે પુરુષે પુછ્યું.

આ પ્રશ્નનું હવે શું ઉત્તર આપવું એનો ખેંગારજીથી તત્કાળ કશો પણ નિશ્ચય કરી શકાયો નહિ અને તેથી તેણે માત્ર એટલું જ કહ્યું કે: “મહાશય, અમારો દેશ અહીંથી બહુ દૂર હોવાથી જો અમે અમારા ગ્રામ તથા અમારા પિતા તથા પિતામહ આદિનાં