પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
કચ્છનો કાર્તિકેય

બરાબર સામે જ હતું. તે બાળા એવી તે સ્વરૂપવતી અને સુંદરી હતી કે જાણે સ્વર્ગમાંથી તિલોત્તમા કિંવા ઉર્વશી જ પૃથ્વીપટપર ઊતરી આવી હોયની ! અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની ! એવો જ તેને જોવાથી ભાસ થયા કરતો હતો. તે બાળાનું મનોહર અને શાંત મુખમંડળ પૂર્ણિમાના ચન્દ્રની સ્પર્ધા કરતું હતું; તેનો કૃષ્ણ તથા દીર્ઘ કેશકલાપ મણિધરના મદનું મર્દન કરવાને સર્વ પ્રકારે સમર્થ હતો; તેના વિશાળ ભાલપ્રદેશમાં ભાગ્યશાલિતાનાં ચિન્હો સ્પષ્ટ દેખાતાં હતાં; તેની નાસિકા શુકચંચુને પણ શર્માવતી હતી તેના ગોળ કપોલના રંગથી ગુલાબનો રંગ ઝાંખો થઈ જતો હતો; તેના ઓષ્ઠોના રંગને જોઈને પ્રવાલના રંગનો સર્વ ગર્વ ગળી જતો હતો; તેની દંતપંક્તિઓને નિરખીને મૌક્તિકપંક્તિઓની અસૂયા સીમાને ઉલ્લંઘી જતી હતી; તેની ગ્રીવાને જોઇને મયૂરો નિ:શ્વાસ નાખતા હતા અને તેનાં નવીનોન્મત વક્ષો અપરિપક્વ આમ્રફળના કાઠિન્ય વિષયક ગર્વદુર્ગને ભેદી નાખતાં હતાં. નવયૌવનના આગમન સાથે તે બાળામાં મુગ્ધતાનો અસ્ત અને અનંગવિકારનો ધીમે ધીમે ઉદય થવા માંડ્યો હતો. તેની કૃશ કટિને નિહાળીને કેસરી ગર્વહીન થવાથી વનમાં પલાયન કરી ગયા હતા; તેના ચંપકવર્ણને જોઈને ચંપકપુષ્પના રંગનો ભંગ થઈ ગયો હતો; તેના હસ્તપાદાદિની કોમળતાને અવલોકીને કોમળતા પણ લજાતી હતી અને તેનાં નેત્રોની વિશાળતા તથા ચપળતાને જોઈ હરિણ તથા મીનની મહાદુર્દશા થતી દેખાતી હતી. તેના શરીરમાંથી જે એક પ્રકારનો હૃદયાલ્હાદક સુગંધ નીકળ્યા કરતો હતો, તે કસ્તૂરીમૃગોના ગર્વને હરતો હતો અને તેનો કોમળ તથા મધુર કંઠ કોકિલના હૃદયને નિરાશાના અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરતો હતો. સારાંશ કે, તે નખથી શિખા પર્યન્ત એક સર્વાંગસુંદરી, પદ્મીની નારીનાં લક્ષણોથી ભૂષિતા અને પરમરમણીયા બાળા હતી, એવો ખેંગારજીનો નિશ્ચય થઈ ગયો અને અત્યારે તે બાળાએ રેશમનો ઘેરદાર ઘાઘરો, કંચુલી તથા જરીથી ભરેલી રેશમી ઓઢણી આદિ વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી અને તેના હસ્તોમાં હાથીદાંતના ચૂડાનો તથા કપાળમાં સિંદૂરતિલકનો અભાવ હોવાથી તે બાળા અદ્યાપિ કુમારિકા હોવી જોઈએ, એ ભેદ પણ ખેંગારજીના જાણવામાં આવી ગયો. આવી અલૌકિકા સુંદરી બાળાને પોતા સમક્ષ ઊભેલી જોઈને ખેંગારજીને પોતાની વિપત્તિઓનું સર્વથા વિસ્મરણ થઈ ગયું અને તેના હૃદયમાં આશ્વર્યને દર્શાવનાર 'અહા'