પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
ભાગ્યોદયનો આરંભ

શબ્દનો વારંવાર ધ્વનિ થવા લાગ્યો. સભ્યતાનો ભંગ થવાના ભયથી માત્ર તેણે પોતાના એ આશ્ચર્યને મુખમાંથી શબ્દદ્વારા બહાર નીકળવા ન દીધું.

ખેંગારજી પણ એક સુંદર, મનોહર તથા રૂપસંપન્ન નવયુવક હોવાથી તેના અવલોકનથી તે લાવણ્યમૂર્તિ કુમારિકા બાળાના હૃદયની પણ ખેંગારજીના હૃદય જેવી જ અવસ્થા થઈ હતી. તે પણ દ્વારની આડમાં ઊભી રહીને સ્થિર તથા એકાગ્ર દૃષ્ટિથી ખેંગારજીના મુખચંદ્રનું ચકોર સમાન નિરીક્ષણ કર્યા કરતી હતી. ખેંગારજીના સૌન્દર્યની સમીક્ષામાં તે એવી અને એટલી તલ્લીન થઈ ગઈ હતી કે, 'જો મારી આ ચેષ્ટા મારા પિતા, મારી માતા કિંવા દાસીના જોવામાં આવશે; તો તેઓ મારા વિશે શું ધારશે !' એ શિષ્ટાચારનું તો સર્વથા તેને વિસ્મરણ જ થઈ ગયું હતું. તે પોતાના સૌન્દર્ય સાથે ખેંગારજીના સૌન્દર્યને સરખાવતી મનોગત કહેવા લાગી કે: “વિધાતાએ મારા લાવણ્યમદ કિંવા સૌન્દર્યગર્વને ઊતારવામાટે જ આ તરુણ પુરુષને આવું અલૌકિક રૂ૫ તથા સૌન્દર્ય આપીને આજે મારા ગૃહમાં એક અતિથિરૂપે મોકલ્યો છે ! મારા સૌન્દર્યમાં અને એના સૌન્દર્યમાં જો કાંઈ પણ ભેદ હોય, તો તે માત્ર એટલો જ છે કે મારા સૌન્દર્યમાં નારીજાત્યુચિત કોમળતાનો વિલાસ છે અને એના સૌન્દર્યમાં નરજાત્યુચિત કિંચિત્ કાઠિન્યનો વિકાસ છે; મારા શરીરમાં સ્ત્રીજાતિની વિશિષ્ટતા વિદ્યમાન છે ! અને એના શરીરમાં પુરુષજાતિની વિશિષ્ટતા વર્ત્તમાન છે ! જો એ ભેદનો વિચાર કરવામાં ન આવે, તો અમો ઉભયનાં રુ૫ તથા આકાર જાણે એકસરખાં જ હોયની ! એવો જ વારંવાર ભાસ થયા કરે છે અને મનમાં એમ પણ થઈ આવે છે કે પરમાત્માએ અમો ઉભયને આ સંસારમાં દંપતી થવામાટે તો નિર્માણ નહિ કર્યાં હોય ને ! અરેરે, મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને આવા પુરુષની અર્ધાંગના થવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થાય ! એ નવયુવક કોણ જાણે કોણ હશે ને કોણ નહિ; અત્યારે અહીં છે અને આવતી કાલે તો પરમાત્મા જાણે ક્યાંય ચાલ્યો જશે. એની તેજસ્વિતા તો સ્પષ્ટ દર્શાવે છે કે અવશ્ય એ કોઈ રાજકુમાર છે; પણ વડિલોની લજ્જા તથા મર્યાદાને ત્યાગીને મારાથી એ અજ્ઞાત પુરુષ સાથે વાર્ત્તાલાપ કેમ કરીને કરી શકાય વારુ ! હાય, આ મારા ચિત્તનો ચોર અતિથિ અહીંથી ચાલ્યો જશે એટલે પછી એના દર્શનનો બીજી વાર લાભ મળશે કે નહિ, એનો આધાર કેવળ ૫રમાત્માની ઈચ્છાપર જ રહેલો છે. અરે, બીજું તો રહ્યું, પણ એ છબીલા સાથે