પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
કચ્છનો કાર્તિકેય

બે ચાર વાતો કરીને હૃદયને શીતળ કરવાનો પણ અત્યારે મારી પાસે કોઈ ઉપાય નથી. હાય, નિષ્ઠુર વિધાતાની કેવી ક્રુરતા !” આ અંતિમ વિચારથી તે પ્રેમોન્માદિની બાળાનાં નેત્રામાંથી અશ્રુના બિન્દુઓ ટ૫કવા લાગ્યા અને તેની આવી દશા ખેંગારજીના જોવામાં આવતાં તેનું ચિત્ત પણ અતિશય વ્યગ્ર થઈ ગયું. પરંતુ ઉભય નિરુપાય હતાં. અર્થાત્ તેમનાથી કોઈ પણ ઉપાયે પરસ્પર વાર્ત્તાલાપનો આનંદ લઈ શકાય તેમ તો હતું જ નહિ, પરંતુ અત્યાર સુધી તેમને પરસ્પર મુખાવલોકનનો જે એક મુગ્ધ આનંદ મળતો હતો, તે તેમના આનંદનો પણ ભોજનકાર્યના અંત સાથે અંત આવી ગયો. ભોજનકાર્યની સમાપ્તિ થતાં જાલિમસિંહ, ખેંગારજી અને સાયબજી પાછા ડેલીમાં આવ્યા અને ત્યાં પાછો દાયરો જામી ગયો ખેંગારજીનું મન તો જો કે તે નવયૌવના કુમારિકામાં જ પરોવાયેલું હતું, પરંતુ સભ્યતાને જાળવવામાટે બળાત્કારે પણ એ દાયરામાંના લોકો સાથે વાર્ત્તાલાપ કર્યા વિના તેનો છૂટકો નહોતો.

સાયબજીમાટે એક જૂદો ઢોલિયો ઢાળવામાં આવ્યો હતો એટલે ખેંગારજી તથા સાયબજી પોતપોતાના ઢોલિયાપર બેઠા અને નીચે પાથરેલા ગાલીચાપર ગૃહનો સ્વામી જાલિમસિંહ તથા અન્ય જનો બેસી ગયા. સોપારી ખાવાનો તથા હુક્કો પીવાનો વ્યવસાય ચાલવા લાગ્યો અને આમ તેમની કેટલીક વાતો પણ થવા લાગી. એટલામાં તે ગ્રામનો નિવાસી દેવભાણ–દેવભાનુ–નામનો એક વૃદ્ધ ગઢવી એ અતિથિઓને મળવામાટે ત્યાં આવી લાગ્યો અને તેણે કેટલાંક છંદ તથા કવિત્ત આદિ છટાદાર ભાષામાં બોલી સંભળાવ્યાં. તેનાં ઉચ્ચારેલાં છંદો તથા કવિત્તોમાંનું એક કવિત્ત આ પ્રમાણેનું હતું:—

“સોમવંશ શિરતાજ, અખંડ પ્રતાપ લાજ,
કચ્છધરામહારાજ, નીકી મતિ ધીરકી;
દગા કિયા રાવર જુ સગા ભાઈ ન્યાઈ જામ,
લાગો મહાપાપ ભઈ બાત બડી પીરકી;
કુંવર કનૈયે જુગ ભગે લિ યે છચ્છ૨ જૂ,
ભગિનીકે પાસ જાત બાટમેં ખમીરકીઃ
લેવૈં તાત બૈર અરુ સેવૈં કચ્છ દેશ પુનિ,
ખેંગાર કુમાર જીવૌ પ્રતિમા હમ્મીરકી !"

ગઢવીના મુખમાંથી આ કવિત્ત નીકળતાં જ ખેંગારજીના મુખમંડળમાં કાંઇક ગંભીરતાની છાયા પ્રસરી ગઈ; કારણ કે, તેના મનમાં એવી આશંકા થવા માંડી હતી કેઃ 'આ કવિત્ત કદાચિત્ અમને