પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
ભાગ્યોદયનો આરંભ

તે પુરુષ સાથે જ પોતાના શરીરસંબંધની વાર્ત્તા થતી સાંભળીને જો તેના અંત:કરણમાંનો આનંદ છલકાઈ જાય, તો તે સ્વાભાવિક જ હતું. તે રૂપસુંદરી, લાવણ્યલતિકા, પ્રણયપ્રતિમા, શશાંકવદના અને સદ્‌ગુણવતી કુમારિકાના હૃદયમાં 'હું મારા મનના માન્યા પતિને પામીશ; માત્ર એટલું જ નહિ, પણ જો પરમાત્મા અનુકૂળ થશે, તો કચ્છ દેશના પ્રતાપી ભૂપાલની મહારાણી પણ થઈશ અને તેમ છતાં અનેક દીન જનોપર ઉપકાર કરવાનો અવસર મને પ્રાપ્ત થશે !' આવા પ્રકારના વિચારોથી આનંદ તથા હર્ષના ઓઘ આવવા લાગ્યા. જે પદાર્થની પ્રાપ્તિનો સ્વપ્નમાં પણ સંભવ ન હોવાથી નન્દકુમારીના હૃદયમાં કાંઈક નિરાશાનો આઘાત થવા લાગ્યો હતો; તે જ પદાર્થની અચાનક પ્રાપ્તિના સંપૂર્ણ રંગને નિહાળીને તેના હૃદયને બ્રહ્માનન્દસમાન આનંદનો સાક્ષાત્કાર થવા લાગ્યો અને તે આનંદના ઓઘમાં તણાતાં તે કેટલીક વાર સૂધી તો પોતાના અસ્તિત્વને પણ સર્વથા ભૂલી ગઈ. સારું થયું કે, તેની કાકી પોતાની પુત્રી રાજમણીસહિત પોતાના શયનમંદિરમાં ચાલી ગઈ હતી, નહિ તો નન્દકુમારીના મુખમંડળમાં અત્યારે આભ્યન્તર આનંદની જે દૃશ્ય છટા વ્યાપી ગઈ હતી તે જો તેની કાકીના જોવામાં આવી હોત, તો તેના ગુપ્ત ભાવોનો અવશ્ય કેટલેક અંશે સ્ફોટ થઈ જવાનો સંપૂર્ણ સંભવ હતો.

નંદકુમારીના હૃદયમાં આવી રીતે આશાનો ઉદય થવા છતાં પણ 'આ શરીરસંબંધમાટે જો મારા પિતાશ્રી અનુમતિ નહિ આપે, તો ?' એ પ્રશ્નથી પુનઃ કાંઈક નિરાશાનો આવિર્ભાવ થયા કરતો હતો; કારણ કે, તેની એ આશાની સફળતાનો સર્વ આધાર કેવળ તેના પિતા જાલિમસિંહની ઈચ્છા તથા અનુમતિપર જ રહેલો હતો. અર્થાત્ તે આવી રીતે આશા તથા નિરાશાના મધ્યમાં અટવાતી હતી એટલામાં જાલિમસિંહ પણ અંતઃપુરમાં આવ્યો અને ત્યાર પછી માતાપિતાનો નિમ્ન સંવાદ નન્દકુમારીના સાંભળવામાં આવતાં તેના આનંદનો અવધિ જ થઈ ગયો.

"પ્રાણેશ, મારા જાણવામાં આવ્યું છે કે આપણા આજના અતિથિઓ તો કચ્છના રાજા જામ હમ્મીરના કુમાર છે; જો એ વાર્ત્તા સત્ય હોય, તો આ ઘર બેઠાં આવેલી ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવામાટેનો એક વિચાર મારા મનમાં સ્ફુરી આવ્યો છે અને મારો તે વિચાર એ છે કે:—

“આપણી રાજકુમારીનો શરીરસંબંધ મોટા કુમાર ખેંગારજી સાથે કરવો અને વૈરિસિંહની પુત્રીનો હસ્ત નાના કુમાર સાયબજીના હસ્તમાં