પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
કચ્છનો કાર્તિકેય

સમર્પવો; કેમ એમ જ કે નહિ ?" જાલિમસિંહે પોતાની પત્નીના અપૂર્ણ વાક્યની વચ્ચે જ પૂર્ણાહુતિ કરીને કહ્યું.

"મારા હૃદયની વાર્ત્તા આપના જાણવામાં કેવી રીતે આવી વારુ ?” પત્નીએ આશ્ચર્ય દર્શાવીને પૂછ્યું.

“એ તો મનોમન સાક્ષી છે. મારા મનમાં પણ ઘણી વારથી એ જ વિચાર રમી રહ્યો છે એટલે એ જ વિચાર તારા મનમાં પણ આવેલો હોવો જ જોઈએ, એવા અનુમાનથી જ મેં આ શબ્દો ઉચ્ચાર્યા છે અને મારું તે અનુમાન સત્ય સિદ્ધ થયું છે. ગઢવી સાથે મેં આ વિષયની વાતચીત કરી છે અને આવતી કાલનો દિવસ શુભ હોવાથી આવતી કાલે જ વાગ્દાનનો વિધિ કરી નાખવાનો મારો નિશ્ચય થઈ ચૂક્યો છે.” જાલિમસિંહે પોતાના મનોભાવને વ્યક્ત કરી બતાવ્યો.

પિતાના મુખમાંથી નીકળેલા આ શબ્દોએ નન્દકુમારીના હૃદયમાં જે અલ્પસ્વલ્પ નિરાશારુપ અંધકાર હતો તેને પણ દૂર કરી દીધો અને તેથી તેના હૃદયમાં આશારૂપ પ્રકાશનો સંપૂર્ણ પ્રકાશ વિસ્તરી જવાથી તે બાળાનું અંત:કરણ આનન્દપુલકિત થવા લાગ્યું. ખેંગારજી તથા સાયબજી ડેલીમાં નિદ્રાવશ થયા હતા અને ગૃહનાં અન્ય સર્વ મનુષ્યો પણ નિદ્રાવશ થઈ ગયાં; પરંતુ રાજનન્દિની નન્દકુમારીને તત્કાળ નિદ્રા ન આવી. તે પોતાની શય્યામાં પડી પડી વિચાર કરતી મનોગત કહેવા લાગી કે: —

"આ સદ્‌ભાગ્યનો પ્રતાપ કે પરમાત્માની કૃપાદૃષ્ટિનું પરિણામ ? સાધારણતઃ એમ કહેવામાં આવે છે કે વિધાતાએ આ સંસારમાં સ્ત્રીપુરુષનું એક પણ જોડલું સરખું કર્યું નથી; એટલે કે, કોઈની પણ મન:કામના સર્વાંશે પૂર્ણ થતી જ નથી, એવો આ વિલક્ષણ સંસારનો એક વિલક્ષણ નિયમ છે; છતાં આજે કુમાર ખેંગારજી તથા મારા વિષયમાં એ નિયમનું પરિવર્તન થયું હોય, એમ જ જણાય છે; કારણ કે, હજી તો બે દિવસ પૂર્વે જ મને પતિ ક્યારે મળશે અને કોણ જાણે કેવો મળશે, એ ચિન્તામાં હું નિમગ્ન થઈ હતી અને આજે તો જેની કલ્પના જ નહોતી તેવા રતિપતિસમાન રૂપસંપન્ન, તરુણ, ગુણવાન્, વિનયશીલ તથા શૂરવીર સ્વામીની પ્રણયિની થવાનો સુયોગ પરમાત્માએ મેળવી આપ્યો ! ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઈ પણ એવાં સત્કર્મ કરેલાં હશે અથવા તો પ્રખર તપશ્ચર્યા કરી હશે, તેનું જ આ ઉત્તમ ફળ પરમેશ્વરે મને આપ્યું છે ! નહિ તો કચ્છ દેશના યુવરાજ આવી અવસ્થામાં અમારા જેવા સાધારણ ગરાશિયાને ઘેર મેહમાન થઈને આવે જ શાના અને મારા ભાગ્યનો ઉદય થાય જ શાનો !