પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
કચ્છનો કાર્તિકેય

ચાલવા લાગ્યો અને અગમનિગમની વાતો થવા લાગી. ખેંગારજી તથા સાયબજી આ આનંદમાં અલિપ્ત ભાવથી ભાગ લેતા અને વાર્ત્તાલાપ કરતા બેઠા હતા એટલામાં ગઢવીએ કસૂંબાની ત્રણ ચાર પ્યાલીઓ ચઢાવીને ટટાર થયા પછી જાલિમસિંહજીને સંબોધીને કહ્યું કે: “ઠાકોર સાહેબ, એક શ્રીફળ, લગાર કંકુ, થોડા અક્ષત અને પાણીનો ભરેલ એક લોટો લાવો તથા આપણા વીરજી જોશીને પણ સત્વર બોલાવો.” જાલિમસિંહજીએ ગઢવીની આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુઓ તત્કાળ મગાવી લીધી અને જોશીને પણ બોલાવ્યો. જોશીએ શ્રીફળને પોતાના હાથમાં લઈ કંકુ પલાળીને શ્રીફળપર તેનો સાથિયો કર્યો અને ત્યાર પછી ખેંગારજીને ઉદ્દેશીને કહ્યું કે: “પૃથ્વીનાથ, જરા પૂર્વ દિશામાં મુખ રાખીને બેસો.”

"પણ આ સર્વ શો પ્રકાર છે તે જરા જણાવો તો ખરા.” ખેંગારજીએ કાંઈક આશ્ચર્ય દર્શાવીને કહ્યું અને ત્યાર પછી તે કાંઈક વિચારમાં પડી ગયો.

તેને આવી રીતે વિચારમાં પડી ગયેલો જોઈને ગઢવી દેવભાનું તેને સંબોધીને ગંભીર વાણીથી કહેવા લાગ્યો કેઃ “પ્રતાપી જામ હમ્મીરજીના ઉત્તરાધિકારી અને કચ્છ દેશના ભાવિ ભૂપાલ ખેંગારજી, કૃપા કરીને અત્યારે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના આ બ્રાહ્મણની આજ્ઞાને આધીન થાઓ અને શંકાને હૃદયમાં સ્થાન ન આપો. આપને આ અત્યંત શુભ શકુન થાય છે એટલે અત્યારે લગારે આનાકાની કરશો નહિ. અમે જે કાંઈ કરીએ છીએ તે આપના કલ્યાણ માટે જ કરીએ છીએ, એ નિશ્ચયપૂર્વક માનજો.”

ગઢવીના વચનને માન આપીને ખેંગારજી પૂર્વ દિશામાંના ઉદિત સૂર્યનારાયણ સમક્ષ મુખ રાખીને બેઠો; એટલે બ્રાહ્મણ દેવે

‘मंगलं भगवान् विष्णुर्मगलं गरुडध्वजः ।
मंगलं पुंडरीकाक्षो मंगलायतनो हरिः ॥'

આ શ્લોકનો ઉચ્ચાર કરીને ખેંગારજીના ભાલપ્રદેશમાં કુંકુમનો તિલક કર્યો. તે પર અક્ષત ચોડ્યા. થોડાક અક્ષત મસ્તક પર ઉડાડ્યા અને ત્યારપછી તેમના ઉભય હસ્તમાં શ્રીફળ સમર્પીને કહ્યું કે, “અખંડપ્રતા૫, ગૌબ્રાહ્મણપ્રતિપાલ, શ્રીમન્મહારાજાધિરાજ, આ વિધિથી અત્યારે આ ગ્રામના સ્વામી ઠાકોર શ્રી જાલિમસિંહજીનાં સત્પુત્રી નન્દકુમારીબાના આપ સાથેના શરીરસંબંધનું વાગ્દાન થઈ ચૂક્યું છે કે જેને આપણે સગપણ કહીએ છીએ. અર્થાત્ નન્દકુમારીબા આપશ્રીનાં ધર્મપત્ની થયાં છે, જાલિમસિંહજી આપના પૂજ્ય શ્વસુર થયા છે અને આપ જાલિમસિંહજીના જામાતા થયા છો. આ સંબંધ સુર્યનારાયણદેવની