પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
ગૄહલક્ષ્મીનો લાભ

સાક્ષીથી થયેલો હોવાથી કોઇથી પણ તોડી શકાય તેવો નથી.”

ખેંગાજીએ શ્રીફળનો તો સ્વીકાર કરી લીધો; પરંતુ ત્યાર પછી તે કાંઇક ખિન્નતા દર્શાવીને કહેવા લાગ્યો કે; “મારી આવી દુર્દશામાં પણ પોતાની પ્રિય કન્યા મને આપવાની ઉદારતા દર્શાવવા માટે હું વડિલ જાલિમસિંહજીનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો જ છે; છતાં મારે નિરુપાય થઈને કહેવું પડે છે કે આ કાર્યમાં આટલી બધી ઊતાવળ ન કરવામાં આવી હોત, તો વધારે સારું થાત; કારણ કે, અત્યારે હું વિપત્તિમાં છું, મારે અદ્યાપિ અમદાવાદ જવાનું છે, ત્યાંથી સુલ્તાનની સહાયતા મેળવવાની છે અને કચ્છમાં જઈને મારા પરમ શત્રુ જામ રાવળ સાથે ઘોર યુદ્ધ કરીને ભુજાના બળથી ભાગ્યની પરીક્ષા કરવાની છે. અર્થાત્ યુદ્ધમાં શું પરિણામ આવશે અને મારો વિજય થશે કે પરાજય થશે તેમ જ આ જીવન રહેશે કે મરણના મુખમાં પડવાનો પ્રસંગ આવશે, એ સર્વ ભેદો ભવિષ્યના ગર્ભમાં સમાયલા છે અને તેથી આ કાર્ય મને તો અપ્રાસંગિક તથા સાહસરૂ૫ જ જણાય છે. આવા પ્રસંગે મારા હૃદયમાં જે સ્વાભાવિક આનંદ થવો જોઇએ તેને બદલે આ સર્વ પરિસ્થિતિનો વિચાર કરતાં અત્યારે મારા હૃદયમાં તો કેવળ ખેદ જ થયા કરે છે. અસ્તુઃ જેવી પરમાત્માની ઈચ્છા !” એમ કહીને ખેંગારજીએ એક નિ:શ્વાસ નાખ્યો.

ખેંગારજીનાં આવાં નિરાશાદર્શક વચનો સાંભળીને ગઢવી દેવભાનુ તેને આશ્વાસન આપતો ઉત્સાહવર્ધક વાણીથી કહેવા લાગ્યો કે: “અન્નદાતા, જે વિધિ થવાનો હતો તે થઈ ગયો છે એટલે હવે, આપને કાંઈ પણ અધિક બોલવાનો અધિકાર નથી. જાલિમસિંહની કન્યા નન્દકુમારીબા અત્યારથી આપની અર્ધાંગના થઈ ચૂકી છે; કારણ કે, તેના ભાગ્યમાં કચ્છના ભૂપાલની પટરાણી થવાના લેખ વિધાતાએ લખી દીધા છે અને વિધાતાના લેખને મિથ્યા કરવાને કોઈ પણ સમર્થ નથી. આજથી આપના ભાગ્યોદયનો આરંભ થયો છે અને તેથી ભવિષ્યમાં કદાપિ આપનો પરાજય થવાનો નથી. જો ગઢવીનાં આ વચનો મિથ્યા થાય, તો આપે એમ જ માનવું કે આ દેવભાનુ ગઢવીનો પુત્ર જ નહોતો ! અમો શારદાના પુત્ર છીએ અને માતા શારદા જે કાંઈ બોલાવે છે તે જ બોલીએ છીએ ! રાજાઓનો એવો ધર્મ છે કે શરણાગતને અવશ્ય શરણ આપવું જ જોઈએ અને આપ પણ રાજા છો એટલે આપથી હવે શરણાગતા રાજકુમારીનો કોઈ પણ પ્રકારે અનાદર કરી શકાય તેમ નથી.”