પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
કચ્છનો કાર્તિકેય


ખેંગારજીએ “તથાસ્તુ” કહીને પછી પોતાના મનોગત ભાવને વ્યક્ત કરતાં જણાવ્યું કેઃ “આપ વડિલોની આજ્ઞાને હું આનંદથી સ્વીકારૂં છું; પરંતુ ઝાલા વંશના કુટુંબ સાથે કચ્છના જાડેજાવંશીય રાજકુટુંબનો આ પ્રથમ જ શરીરસંબંધ થાય છે એટલે હું પરમેશ્વર પાસેથી માત્ર એટલું જ માગું છું કે આ સંબંધ ઉભય પક્ષને સુખકારક થાય અને ઉભયના સુખમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે !”

“પરમાત્મા આપની આ ભાવનાને સફળ કરો અને આપના સંસારસુખમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવો !” ગઢવીએ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યો.

એ પછી આગળથી કરી રાખેલા સંકેત અનુસાર ભૂદેવે એક બીજું શ્રીફળ વિધિપૂર્વક સાયબજીના હાથમાં આપ્યું અને જાલિમસિંહજીની ભત્રીજી રાજમણી સાથે સાયબજીનું સગપણ થઈ ગયું. આ વાગ્દાનની વાર્ત્તાનો ગ્રામમાં વિસ્તાર થતાં સમસ્ત ગ્રામમાં આનંદ વ્યાપી ગયો; પરંતુ નન્દકુમારીના હૃદયમાં જે આનંદ થયો હતો તે સર્વથા અલૌકિક તથા અવર્ણનીય જ હતો. જાલમસિંહે એ દિવસને સુવર્ણ દિવસ માનીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં, દીન જનોને યથાશક્તિ દાન આપ્યાં અને ગઢવીને પણ આદરપૂર્વક જમાડીને યોગ્ય સરપાવ આપ્યો. હવે ખેંગારજી તથા સાયબજીનો જામાતા તરીકે વળી વિશેષ આદરપૂર્વક સત્કાર થવા લાગ્યો અને તેથી તે ઉભય બંધુઓને વિપત્તિમાં પણ સંપત્તિની છટા દેખાવા લાગી.

આ સર્વ ધામધૂમ ચાલતી હતી અને ખેંગારજી તથા સાયબજી હજી તો હમણાં જ મધ્યાહ્નભોજનથી પરવારીને ડેલીમાં આવી બેઠા હતા એટલામાં ઘ્રાંગધરે ગયેલો વૈરિસિંહ છચ્છર સહિત પાછો ત્યાં આવી પહોંચ્યો. તેને આટલો બધો વ્હેલો પાછો આવેલો જોઈને સર્વને આશ્ચર્ય થયું અને તે આશ્ચર્યનું નિવારણ કરતો છચ્છર કહેવા લાગ્યો કેઃ “યુવરાજશ્રી ખેંગારજી તથા કુમારશ્રી સાયબજીને ઘ્રાંગધરાથી રવાના કર્યા પછી મારાં નેત્રોમાંથી અશ્રુ પડતાં જોઇને તે વ્યાપારીએ આગ્રહ કરીને અમારો વૃત્તાન્ત પૂછ્યો અને જ્યારે અમારો સત્ય વૃત્તાંત તેણે જાણ્યો એટલે તત્કાળ મને જામિનગિરીના બંધનથી મુક્ત કરીને કહ્યું કેઃ “જો આ વૃત્તાંત તમોએ પ્રથમથી જણાવ્યો હોત, તો અમે રૂપિયા પણ આપત અને તમને કુમારોથી જુદા પાડીને અહીં રાખત નહિ. ખયર; હજી કુમારો બહુ દૂર તો નહિ જ ગયા હોય, માટે જાઓ અને તેમના સહાયક થાઓ. જ્યારે સારો સમય આવે ત્યારે આ ગરીબ વાણિયાને ભૂલી જશો નહિ. આમ