પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
કચ્છનો કાર્તિકેય

કરવાનો હોય, તે જ્યારે સારો સમય આવે ત્યારે કરશો તો પણ ચાલશે. અર્થાત્ કોઈ પણ રીતે લગ્નના કાર્યને મુલ્તવી ન રાખો, તો આપનો અતિશય આભાર !”

હવે ખેંગારજીથી કોઈ પણ રીતે આનાકાની કરી શકાય તેમ ન હોવાથી તેણે લગ્ન માટે પોતાની અનુમતિ આપી દીધી અને એ અનુમતિ મળતાં જ જાલિમસિંહે લગ્ન માટેની ધૂમધડાકે તૈયારીઓ કરાવવા માંડી. ખેંગારજી તથા સાયબજીને એક જૂદા ઘરમાં ઊતારો આપવામાં આવ્યો અને ત્યાં તેમના પોતાના ગૃહસમાન સર્વ યોગ્ય વ્યવસ્થાઓ કરી આપવામાં આવી. માંડવો બાંધવામાં આવ્યો અને ગીત ગવડાવવાનો પણ આરંભ કરી દેવાયો. રાજપૂતની રીતિ પ્રમાણે બીજે દિવસે ગોધૂલી સમયે ખેંગારજી તથા સાયબજીનાં ખાંડા સાથે નન્દકુમારી તથા રાજમણીનાં લગ્નનો વિધિ થયો અને તે કન્યાઓ પોતાના પિતૃગૃહમાં તે ખાંડા સાથે બે મંગળ ફેરા ફરીને પતિના ગૃહપ્રતિ પ્રયાણ કરવાને નીકળી. પતિના ગૄહમાં આવ્યા પછી પતિ સાથે બાકીના બે મંગળ ફેરા ફરીને તેઓ કુમારિકા મટીને અખંડ સૌભાગ્યવતીના પદને પામી અને સ્વામીની સેવાનો અધિકાર તેમને પ્રાપ્ત થયો. એ પછી બીજી પણ જે જે ઉચિત ક્રિયાઓ થવાની હતી તે થઈ અને મધ્યરાત્રિ પછી નવવિવાહિત દંપતીઓએ પોતપોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો. પ્રિય પાઠક તથા પાઠીકાઓ આપણે પણ હવે એમાંના તારુણ્યસંપન્ન દંપતીના શયન મંદિરમાં અદૃશ્ય પ્રવેશ કરીને ત્યાંની દામ્પત્યલીલાનું કાંઇક અવલોકન કરીશું.

*****

જે ખેંગારજી તથા નન્દકુમારીનાં હૃદયો પ્રથમ દૃષ્ટિસંમેલનથી જ પરસ્પર આકર્ષાયાં હતાં, તેમનો આવી રીતે અચાનક શરીરસંબંધ થતાં તેમના હૃદયમાં એક બીજાને મળવાની, પરસ્પર પ્રેમાલાપ કરવાની અને કેલીવિનોદમાં નિશા વીતાડવાની કેવી અને કેટલી તીવ્ર અભિલાષા રમી રહી હશે, એની સહજ કલ્પના કરી શકાય તેમ છે. નન્દકુમારી ષોડષ શ્રૃંગારોથી પોતાના દેવાંગનાતુલ્ય શરીરને શ્રૃંગારીને પુષ્પશય્યામાં પતિની પ્રતીક્ષા કરતી બેઠી હતી અને તેનું પ્રેમાતુર હૃદય અનંગરંગના અભંગ રસનો આસ્વાદ લેવામાટે આતુર થઈ રહ્યું હતું. ખેંગારજીએ વીરવેષમાં શયનમંદિરમાં પ્રવેશ કર્યો એટલે નન્દકુમારીએ શય્યાપરથી ઉઠીને તેનો સત્કાર કર્યો અને મસ્તક નમાવીને નમન કર્યું. ત્યાર પછી માનપૂર્વક તેનો હસ્ત ઝાલીને તેને પુષ્પશય્યામાં બેસાડ્યો અને પોતાના સુકોમળ હસ્તથી સુવર્ણપાત્રમાં