પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ગૃહલક્ષ્મીનો લાભ

કરત અને આ કારણ આવ્યું છે તો અત્યારેજ પ્રયાણ કરવું પડશે, એટલો જ માત્ર ભેદ છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવાથી મારો તો એ જ આગ્રહ છે કે અત્યારે જ અમને પ્રવાસનાં સાધનો તૈયાર કરી આપો અને અમને વિદાય કરી દ્યો. હવે અમદાવાદ વધારે દૂર નથી એટલે અમો કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના ત્યાં પહોંચી જઈશું અને આપનો પરિશ્રમ પણ ટળી જશે. યોગ્ય અવસર આવતાં દુષ્ટ રાવળ પાસેથી તેની આ સર્વ દુષ્ટતાનો બદલો આપણે વ્યાજ સુદ્ધાં લઈશું, એ વિશે આપે નિશ્ચિન્ત રહેવું." છચ્છરે પરિસ્થિતિનો વિચાર કરીને જાલિમસિંહના અભિપ્રાયથી સર્વથા વિરુદ્ધ અભિપ્રાય દર્શાવ્યો.

"અને મારા પોતાનો પણ એ જ અભિપ્રાય છે." ખેંગારજીએ પોતાના નમકહલાલ નોકરના અભિપ્રાયને અનુમોદન આપ્યું.

"મારી પણ એ જ માન્યતા છે કે ભાઈ છચ્છર તથા મહારાજશ્રી ખેંગારજીનો અભિપ્રાય યોગ્ય છે; કારણ કે, અત્યારના અકારણ યુદ્ધથી કોઈ પણ પ્રકારના અધિક લાભનો સંભવ નથી." રણમલ્લે પણ છચ્છરના મતનેજ પુષ્ટિ આપી.

"હું પણ અત્યારે વેળા પ્રમાણે વર્ત્તવાનું જ યોગ્ય ધારું છું." વૈરિસિંહ પણ તેમના મતને જ મળતો થયો.

સર્વના અભિપ્રાયને પોતાના અભિપ્રાયથી ભિન્ન જોઈને જાલિમસિંહ પણ સમયનો વિચાર કરીને તેમના અભિપ્રાય સાથે એકમત થઈ કહેવા લાગ્યો કે: "જ્યારે તમો સર્વનો આ જ અભિપ્રાય છે, તો પછી પરમાત્માનીજ એ ઈચ્છા હોય એમ જણાય છે; કારણ કે, પંચ ત્યાં પરમેશ્વર એ આપણો એક પુરાતન સિદ્ધાન્ત છે. અસ્તુઃ જો અહીંથી પ્રયાણ કરવાનીજ આપની ઇચ્છા હોય, તો પછી વિલંબ કરવો વ્યર્થ છે. આપ પાસે એક અશ્વ છે અને મારો એક સારામાં સારો ઊંટ હું સાજ નખાવીને તૈયાર કરાવું છું તેપર કુમાર સાયબજી તથા છચ્છર બેસશે અને મારા બીજા ઊંટપર બે રાજપૂતો સવાર થઈને આપને ઠેઠ અમદાવાદ પહોંચાડી આવશે. હાલ તરત એક હજાર કોરી રોકડી પણ સાથે લેતા જજો કે જેથી અમદાવાદમાં જતાંની સાથે તરત કોઈ પાસેથી પૈસા માગવા ન પડે અને માર્ગમાં પણ કાંઈ અડચણ ભોગવવાનો પ્રસંગ ન આવે."

"પરમાત્મા આપના આ ઉપકારોનો બદલો વાળી આપવાનું અમને સત્વર સામર્થ્ય આપે, એજ અમારી તે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં અનન્યભાવયુત પ્રાર્થના છે." ખેંગારજીએ માર્મિક શબ્દોમાં કૃતજ્ઞતા દર્શાવી.