પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
કચ્છનો કાર્તિકેય

જાલિમસિંહે પોતાના બન્ધુ વૈરિસિંહને ખેંગારજી, સાયબજી તથા છચ્છર માટે પ્રવાસનાં સાધનો તૈયાર કરાવવાની આજ્ઞા આપી દીધી. ખેંગારજી પોતાની પ્રાણેશ્વરીની આજ્ઞા લેવામાટે અને સાયબજીને નિદ્રામાંથી જગાડીને પ્રવાસની સૂચના આપવામાટે પાછા પોતાના ઊતારાભણી ચાલ્યો અને જાલિમસિંહ માર્ગમાં ખાવા માટે કાંઈક ભાતું અથવા ટીમણ તૈયાર કરી લેવાની પોતાની પત્નીને આજ્ઞા આપવા માટે પોતાના અંતઃપુરમાં ગયો. છચ્છર તથા રણમલ્લ વાતો કરતા ડેલીમાં જ બેસી રહ્યા. રણમલ્લ હુક્કો ભરીને ઘેરથી લેતો આવ્યો હતો એટલે વાર્તાલાપ સાથે તેઓ હુક્કાને પણ યોગ્ય ન્યાય આપીને ઘૂમ્રપાનનો વ્યવસાય પણ ચલાવ્યા કરતા હતા. દાસી ખેંગારજીના ઊતારાના મોટા દ્વારમાં જ નન્દકુમારીની આજ્ઞાથી ખેંગારજીના આવવાની વાટ જોતી ઊભી હતી એટલે તે દાસીને ખેંગારજીએ સાયબજીને જાગ્રત કરવાની તથા પ્રવાસવિષયક સૂચના આપવાની આજ્ઞા કરી દીધી અને પોતે પોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો.

*****

જે વેળાયે ખેંગારજીએ શયનમંદિરમાં પ્રવેશ કર્યો, તે વેળાયે નન્દકુમારી અત્યંત શોકાતુર થઈને શય્યામાં લમણે હાથ દઈ ચિંતામગ્ન અવસ્થામાં બેઠી હતી; કારણ કે, દાસીના મુખથી અચાનક આવીને ઉપસ્થિત થયેલા ભયના સમાચાર ખેંગારજીની અનુપસ્થિતિમાં તેણે સાંભળ્યા હતા અને તેથી હવે ખેંગારજી સાથે જવાનો હઠ કરવો કે હાલ તરત થોડા દિવસ પીયરિયાંમાં જ વીતાડવા, એ વિષયના ગહન વિચારમાં તે પડી ગઈ હતી અને તેથી ખેંગારજી આવ્યો એનું પણ તેને ભાન રહ્યું નહિ. જ્યારે ખેંગારજીના મુખમાંથી નીકળેલો 'પ્રિયતમે!' શબ્દ તેના સાંભળવામાં આવ્યો ત્યારે જ તેની વિચારનિદ્રા કિંવા ચિંતાનિદ્રાનો ભંગ થયો અને તે શય્યાપરથી ઊઠીને ખેંગારજીના હસ્તને પોતાના સુકોમળ હસ્તોમાં ધારણ કરી અત્યંત મૃદુતા તથા આશ્વાસક ભાવથી કહેવા લાગી કે:—

"મારા પ્રાણજીવન પ્રાણેશ, અત્યારે આપ અને મારા દીયરજી કેવી આપત્તિમાં છો, એ હું સારી રીતે જાણું છું અને સમયનો વિચાર કરી આવા કટોકટીના પ્રસંગે હું આપને અધિક ચિંતામાં નાખવા નથી ઇચ્છતી. અત્યાર સૂધી તો મારો એવો જ અભિપ્રાય હતો કે હું મારાં માતુશ્રીને સમજાવીશ અને તેમની મધ્યસ્થતાથી મારા પિતાશ્રીની આજ્ઞા મેળવીને અવશ્ય આપની સાથે જ અહીથી પ્રયાણ કરીશ; પરંતુ આ ક્ષણે જ અચાનક આપના પ્રયાણનો નિશ્ચય