પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
ગૃહલક્ષ્મીનો લાભ

થવાથી હવે એ હઠને વળગી રહેવામાં સાર નથી અને તેથી હું આનંદથી આપને અહીંથી વિદાય થવાની અનુમતિ આપું છું. આવા પ્રસંગે હઠને ત્યાગવામાં જ લલનાનું ભૂષણ છે. માત્ર આપની આ દીન તથા આધીન કિંકરીની આપનાં ચરણોમાં એટલી જ નમ્ર પ્રાર્થના છે કે આપ જ્યાં જાઓ અથવા જ્યાં રહો ત્યાં આ દાસીને વિસારશો નહિ અને જો કોઈ અનિવાર્ય કારણવશાત્ અમદાવાદમાંથી ઇચ્છિત સહાયતા મેળવવાના કાર્યમાં વિલંબ થાય અને તેથી જો અમદાવાદમાં વિશેષ કાળ કાઢવો પડે, તો કૃપા કરીને મને પણ ત્યાં બોલાવી લેજો અને આપની ચરણસેવાથી કૃતાર્થ થવાનો અવસર સત્વર પ્રાપ્ત કરાવજો. મારી મનોદેવતા મને અત્યારે એમ જ કહે છે કે આ સંકટોનો હવે અલ્પ સમયમાં જ અંત આવી જશે અને આપનું સર્વ પ્રકારે કલ્યાણ થતાં વિજયશ્રી અવશ્ય આપના ગળામાં વરમાળા આરોપશે. હું પણ નિરંતર અહીં આપના નામનું સ્મરણ કરતી રહીશ અને આપના કલ્યાણ માટે કરુણાસિંધુ કમલાપતિને અનન્ય ભાવથી વિનવતી રહીશ. ધૈર્યને ત્યાગશો નહિ અને પરમાત્મામાં અવિચલ વિશ્વાસ રાખજો એટલે વિજય આપનો જ છે !”

ખેંગારજીએ જ્યારે શયનમંદિરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના મનમાં એવો ભય હતો કે: “જો પ્રાણેશ્વરી અત્યારે સાથે આવવાનો હઠ કરશે અને હું ના પાડીશ, તો એક પ્રકારના ક્લેશનો આરંભ થશે અને ખિન્ન હૃદયથી પ્રયાણ કરવું પડશે.” પરંતુ નન્દકુમારીના ઉપર્યુક્ત ઉદ્દગારો જ્યારે તેના સાંભળવામાં આવ્યા એટલે તેના ભયનો લોપ થયો અને તેના હૃદયમાં એક પ્રકારનો ઉત્સાહજન્ય આનંદ પ્રસરી ગયો. તે પોતાની પ્રાણેશ્વરીને ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે પ્રાણવલ્લભે, તારા આવા યોગ્ય ઉદ્‌ગારોના શ્રવણથી તથા તારી ધૈર્યશીલતાના સાક્ષાત્કારથી મારા હૃદયમાં તારા વિશે જે ઉચ્ચ ભાવો બંધાયા છે તેમને વાણીદ્વારા વ્યક્ત કરવામાટેના યોગ્ય શબ્દો મારી પાસે નથી. હું જ્યાં જઈશ અને જ્યાં રહીશ, ત્યાં એક ક્ષણ માત્ર પણ તને તથા તારા પ્રેમને ભૂલવાનો નથી. મારું શરીર ત્યાં હશે, પણ હૃદય તો અહીં જ રહેવાનું છે. પરમાત્માની કૃપા થશે, તો આ દુઃખના દિવસો પણ વીતી જશે અને સત્વર જ સુખનો સમય આવી લાગશે. તું પણ પરમાત્મામાં શ્રદ્ધા રાખજે એટલે તે આપણું કલ્યાણ જ કરશે. હું પણ તારાથી વિયુક્ત થવા ઈચ્છતો નથી, પણ નિરુપાય થઈને મારે જવું પડે છે, તેની ક્ષમા કરજે. જો કોઈ કારણથી અમદાવાદમાં વધારે સમય વીતાડવાનો રંગ જણાશે, તો હું અવશ્ય તને