પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
કચ્છનો કાર્તિકેય

કરતાં સ્ત્રીપુરુષો તથા અહમ્મદાબાદ નગરનાં ગગનચુંબિત રાજમહાલયો અને અન્યાન્ય હવેલીઓનાં દર્શન તથા નિરીક્ષણથી પોતાનાં નેત્રોને આનંદ આપવા લાગ્યા. હવે આપણે અહીં સાભ્રમતી નદી તથા અહમ્મદાબાદ-અમદાવાદ-નગરનું કિંચિત્ પૌરાણિક તથા ઐતિહાસિક દિગ્દર્શન કરીશું.

તે સમયમાં પણ અત્યારે જ્યાં નગરની પશ્ચિમે સાભ્રમતીનો પ્રવાહ દૃષ્ટિગોચર થાય છે, ત્યાં જ એ પ્રવાહ વહેતો હતો. નગરની પાસે તેની પહોળાઈ ૫૦૦ થી ૬૦૦ ગજની હતી. ગ્રીષ્મ ઋતુ વર્ત્તમાન હોવાથી તે સમયે નદીમાં જલની એટલી વિપુલતા નહોતી કે તેમાં નૌકાઓ તરી શકે અને ચાલી શકે; અર્થાત્ લોકો પગે ચાલીને, ઊંટ પર બેસીને, ગાડામાં બેસીને અથવા અશ્વારૂઢ થઇને તે પારથી આ પાર આવતા હતા અને આ પારથી પેલે પાર જતા હતા; કારણ કે, તે સમયમાં અત્યારના ' એલિસ બ્રિજ ' જેવો કોઈ સેતુ (પુલ) અસ્તિત્વમાં નહોતો. સાભ્રમતીના તીરપ્રાંતમાં નીલકંઠ મહાદેવ, ખડગધારેશ્વર મહાદેવ, અને ભીમનાથ મહાદેવ આદિ પ્રખ્યાત શિવાલયો તે કાળમાં પણ વિદ્યમાન હતાં અને તે ઉપરાંત કેટલાક ઘાટો પણ એવા તો સુંદર બાંધેલા હતા કે તેમના યોગે તીરપ્રાંતને સ્વર્ગીય શોભા પ્રાપ્ત થયેલી હતી.

એ સાભ્રમતીની ઉત્પત્તિ વિશે 'પદ્મપુરાણ'માં જે એક પ્રાચીન કથા આપવામાં આવી છે, તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:—પવિત્ર સરસ્વતી નદીવડે મંડિત અર્બુદાચલ નામક પર્વતમાં કશ્યપજીએ અનેક વર્ષો પર્યન્ત મહાભારત તપ કર્યું હતું; એટલે કે, મુનિજનોએ કશ્યપજીને એવી પ્રાર્થના કરી હતી કે, ' લોકોના કલ્યાણમાટે તમો ગંગા નદીને આ સ્થાનમાં લાવો; ' અર્થાત્ તેમની એ પ્રાર્થના સાંભળીને કશ્યપે અર્બુદ વનમાં સરસ્વતી નદીના તીરપ્રાંતમાં તપનો આરંભ કરી દીધો અને તેમની સાથે અન્ય ઋષિઓ પણ શિવની આરાધના કરવા લાગ્યા. અંતે તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવે ત્યાં પ્રકટ થઈને કહ્યું કેઃ “હે કશ્યપ, તમો મારી પાસેથી ઇચ્છિત વર માગી લ્યો.” એટલે કશ્યપે કહ્યું કે: “આપના શિરમાં જે પવિત્ર ગંગાજી છે, તે આપ મને આપી દ્યો.” આ શબ્દ સાંભળતાં જ મહાદેવજીએ પોતાની એક જટામાંથી ગંગાજી આપી દીધાં. કશ્યપ ગંગાને પોતાના આશ્રમમાં લઈ ગયો અને તે સમયથી જ કશ્યપનો આશ્રમ 'કેશરંધ્ર તીર્થ 'ના નામથી તથા ગંગા 'કાશ્યપી ગંગા'ના નામથી ઓળખાવા લાગ્યાં. 'કાશ્યપી ગંગા'ના દર્શન માત્રથી જ બ્રહ્મ-