પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

હત્યા આદિ પાપોનો નાશ થાય છે. એનું નામ સત્યયુગમાં ક્રતવતી, ત્રેતામાં ગિરિકર્ણિકા, દ્વાપરમાં ચન્દના તથા કલિયુગમાં સાભ્રમતી હોય છે. એ 'કાશ્યપી ગંગા' અથવા સાભ્રમતીના તીરપ્રાંતમાં અનેક મહર્ષિઓ વસ્યા કરે છે; એ સરિતાના સલિલમાં સર્વ તીર્થોનો નિવાસ છે; એ નદીના તીરપ્રાંતમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનો સત્વર ઉદ્ધાર થઈ જાય છે અને એ નદીના તીરપ્રાંતમાં જે બ્રહ્મચારીશ તથા ગંગાધર નામક શિવલિંગો તેમ જ રાજખડગ્ નામક પવિત્ર તીર્થ છે, તે તીર્થમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનું નિવારણ થઈ જાય છે. આટલો વૃત્તાંત પદ્મપુરાણ, ઉત્તરાખંડ, ૧૩૫ મા અધ્યાયમાં અપાયેલો છે અને ત્યાર પછીના એ જ ખંડના જે બીજા કેટલાક અધ્યાયોમાં એ વિશે વિશેષ ઉલ્લેખો કરાયા છે, તેમનો સાર આ પ્રમાણે છે:— સાભ્રમતી નદી નન્દીકુંડમાંથી નીકળી અર્બુદ પર્વતને ઉલ્લંઘીને આગળ વધેલી છે. નન્દીકુંડની પાસે કપાલમોચન તીર્થ તથા કપાલેશ શિવલિંગ છે. (૧૩૬ મો અધ્યાય). સાભ્રમતી નદી નન્દીપ્રદેશમાંથી વિકીર્ણ વનમાં જઈને પર્વતોની ધારાને કાપતી સંપ્તધારામાં વિભક્ત થઇને દક્ષિણ દિશામાં સમુદ્રમાં મળી ગઈ છે. તેની એ સપ્તધારાઓનાં અનુક્રમે સાભ્રમતી, સેટિકા, બલ્કીની, હિરણ્યા, હસ્તિમતી, વેત્રમતી અને ભદ્રામુખી એ સાત નામો છે. (૧૩૭મો અધ્યાય). માતૃતીર્થ સમીપ સાભ્રમતીમાં સ્નાન કરવાથી માતૃમંડળમાં નિવાસ થાય છે. સાભ્રરમતી તથા ગોક્ષુરાના સંગમમાં સ્નાન કરનારને કોટિ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. (૧૩૯ મો અધ્યાય). સાભ્રમતીના તીરે ખડ્ગ તીર્થમાં સ્નાન કરીને ખડ્ગધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગલોક મળે છે. કાર્તિક માસમાં ખડ્ગધારેશ્વર મહાદેવની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને વૈશાખ માસમાં પૂજા કરવાથી રાજ્યની પ્રાપ્તિ અથવા રાજ્યલાભ થાય છે. (૧૪૭ મો અધ્યાય). સમુદ્ર તથા સાભ્રમતીના સંગમમાં સ્નાન કરવાથી મહાપાતકોનો પણ નાશ થઈ જાય છે અને ત્યાં શ્રાદ્ધ કરવાથી બ્રહ્મહત્યા આદિ પાપોનો લોપ થતાં મનુષ્ય પિતૃલોકમાં નિવાસ કરી શકે છે. (૧૭૦ મો અધ્યાય). સાભ્રમતીના તીરમાંતમાંના નીલકંઠ તીર્થમાં નીલકંઠ મહાદેવના દર્શન તથા પૂજન આદિ કરવાથી મનવાંછિત ફળ મળે છે અને મોક્ષનો પણ લાભ થાય છે.*[૧]

  1. અત્યાર સુધી કેટલાક લોકોની એવી માન્યતા હતી કે, ઉદયપુર રાજ્ય (મેવાડ) માંના ઢેબર નામક પ્રચંડ તડાગ (તળાવ)માંથી જ સાભ્રમતી (સાબરમતી) નદીનો ઉદ્‌ભવ થયેલો છે અને ત્યાંથી તેનો પ્રવાહ ગુજરાતમાં આવ્યો છે: