પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
કચ્છનો કાર્તિકેય

નું જ અવલંબન કરી રહે છે, તે કોઈ વાર કેવળ અસત્યતાનું જ સ્વરૂપ બની જાય છે; કોઈ વેળાએ કર્કશા હોય છે, તો કોઈ વાર પ્રિયવાદિની પણ થાય છે; કોઈ વાર ઘાતુક તો કોઈ વાર દયાળુ; કોઈ વાર ધનલોભિની તો કોઈ વાર દાનશીલા તેમ જ નિત્યવ્યયકારિણી અને અત્યંત ધન મેળવનારી એવી રીતે ભૂપાલની નીતિ વેશ્યાનારી પ્રમાણે અનેક રુ૫વાળી હોવાનું કહેલું છે." રાજનીતિની એ પ્રમાણે વ્યાખ્યા કરીને ભૂધરશાહે જણાવ્યું કેઃ "આ પ્રસંગે આપણે આપણી રાજનીતિને સર્વથા પ્રિયવાદિની બનાવી નાખવી જોઇએ. આપણી પોતાની નિર્બળતા બતાવીને તેની સબળતાનો યશોગાન ગાવાં જોઈએ. પોતાની પ્રશંસા સાંભળીને પ્રત્યેક મનુષ્યને એક પ્રકારનો આનંદ થાય છે અને જ્યાં આનંદ થયો, ત્યાં તેનો અર્ધ કોપ તો તે ક્ષણે જ નષ્ટ થઈ જાય છે. આ વેળાએ આપણે બળથી નહિ, કિન્તુ કળથી જ કામ લેવાનું છે. મારી તો આ મંત્રણા છે, પછી તો જેવો મહારાજાધિરાજનો વિચાર," એમ કહીને તે રાજાના ઉત્તરની વાટ જોવા લાગ્યો.

વિચારાન્તે જામ હમ્મીરજીને પણ સંકટને ટાળી દેવાનો એ જ ઉપાય પ્રશસ્ત-યોગ્ય-જણાયો અને તેથી તેણે પોતાના પ્રધાનની મંત્રણાને અનુમતિ આપતાં કહ્યું કેઃ "ભલે જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો; તમને એની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે."

"મારાથી થશે ત્યાં લગી તે હું કચ્છ રાજયનું અકલ્યાણ થવા દેવાનો નથી," ભૂધરશાહે કહ્યું.

"મારો તમારા વચન અને કૃત્યમાં પૂર્ણ વિશ્વાસ છે," હમ્મીરજીએ કહ્યું.

**** *

ત્રીજે દિવસે પ્રભાતમાં ગુપ્ત રાજદૂતોએ આવીને સમાચાર આપ્યા કેઃ "અમદાવાદનો સુલતાન મહમ્મદ બેગડો પોતાના વિશાળ સૈન્યસહિત આવીને રાપર પાસેના જંગલમાં છાવણી નાખી પડેલો છે."

હમ્મીરજીએ પોતાના પ્રધાનને, આગળથી કરી રાખેલી મંત્રણા પ્રમાણે, ત્વરિત જ મહમ્મદ બેગડાની છાવણીમાં જવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા પ્રમાણે યોગ્ય ઉપહાર-નજરાણું-લઈને સચિવ ભૂધરશાહ સુલ્તાનની છાવણીમાં જવાને ચાલતો થયો.


—🙔:🙔:🙔:🙔 🙒:🙒:🙒:🙒—