પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
કચ્છનો કાર્તિકેય

અમુક વૃક્ષને ઉછેરીશ, તો તેને સારું ઇનામ આપવામાં આવશે.' સુલ્તાનના આ શૌકના કારણથી જ ગુજરાતમાં આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નાળિયેર, બેલ અને મહુડા આદિ વૃક્ષોનો સુકાળ થયો હતો કે જે અદ્યાપિ ગુજરાતમાં વિપુલ પરિમાણમાં જોવામાં આવે છે. સુલ્તાને પોતે અમદાવાદ નગરના બાહ્ય ભાગમાં પાંચ કોસ લાંબો અને એક કોસ પહોળો 'ફિરદોસ' નામક બગીચો બનાવ્યો હતો અને તે ખરેખર 'ફિરદોસ' એટલે કે, સ્વર્ગનો જ બગીચો હતો અને 'શાબાન' નામક એક બીજો સ્વર્ગસ્પર્ધિત બાગ પણ એ સુલ્તાનના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યો હતો. આવી જ રીતે રાજધાની, અન્ય નગર અથવા કસ્બામાં જો કોઈ પણ દુકાન અથવા ઘરને તે ખાલી જોતો, તો ત્યાંના અધિકારી તથા અનુચરોને તેનું કારણ પૂછીને જે કાંઇ આવશ્યકતા હોય તે પૂરી પાડી તેને આબાદ કરવાનો હુકમ ફર્માવતો હતો. આ પ્રમાણે સમસ્ત ગુજરાત દેશ કુરાન શરીફની આયાત 'જે દાખલ થાય છે તે સહીસલામત છે' પ્રમાણે સુખી હતો; તો પછી જો અમદાવાદની પ્રજા સુખના શિખરભાગમાં વિરાજતી હોય, તો તે સ્વાભાવિક છે. અસ્તુઃ હવે આપણે આપણી કથાના અનુસંધાનમાં આગળ વધીશું.

આપણા ખેંગારજી, સાયબજી, છચ્છર, રણમલ્લ તથા તેના ભત્રીજા આદિ પાંચે પ્રવાસીઓએ ત્યાં પડાવ નાખી એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમતીરપ્રાંતમાં રોકાઈ શૌચ, દંતધાવન તથા સ્નાન આદિ કાર્યોથી મુક્ત થઈને હવે નગરમાં કેવી રીતે પ્રવેશ કરવો અને અલૈયાજીને પ્રથમ ખબર આપ્યા પછી તેમની પાસે જવું કે અચાનક જઈ પહોંચવું, એ વિશેનો વિચાર કરવા માંડ્યો. કેટલીક વાર સૂધી વિચાર ચલાવ્યા પછી તેઓ એવા નિશ્ચયપર આવ્યા કે, છચ્છર તથા રણમલ્લે પ્રથમ અમદાવાદ નગરમાં જવું, અલૈયાજીના નિવાસસ્થાનનો પત્તો મેળવવો, અલૈયાજીને મળીને ખેંગારજી તથા સાયબજીના આગમનના સમાચાર આપવા અને ત્યાર પછી અલૈયાજીનો જેવો અભિપ્રાય હોય, તદનુસાર ખેંગારજી તથા સાયબજીએ અમદાવાદ નગરમાં પ્રવેશ કરવો. આ નિશ્ચય અનુસાર છચ્છર તથા રણમલ્લ નગરમાં જવાને તૈયાર થયા, પરંતુ એટલામાં છચ્છરના મનમાં અચાનક એક વિચાર આવવાથી તે ખેંગારજીને સંબોધીને કહેવા લાગ્યો કે:—

"અન્નદાતા, આ અમદાવાદ નગર અતિશય વિશાળ છે એટલે અલૈયાજીના નિવાસસ્થાનને શેાધતાં જ કદાચિત્ વધારે સમય થઈ જાય, એવો સંભવ છે; અથવા તેમના ગૃહનો પત્તો તત્કાળ મળી જાય અને તેમનો પોતાનો મેળાપ ન થાય, તો પણ વિલંબ થવાની સંભાવના