પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

છે, એટલામાટે આપણે પ્રથમ નાસ્તા પાણીની વ્યવસ્થા કરી લઈએ અને ત્યાર પછી જ અમો બન્ને નગરમાં જઈએ, એ વધારે સારું છે; કારણ કે, ત્યાર પછી અમો કદાચિત મોડા આવીએ, તો પણ ચિન્તાનું કારણ રહેશે નહિ."

આ વાર્તા સર્વને યોગ્ય લાગવાથી પાસે જ એક શિવાલય હતો ત્યાં એ સર્વ પ્રવાસીઓ ગયા અને શિવાલયના પશ્ચાદ્‌ભાગમાં ઊભેલા એક વિશાળ વટવૃક્ષની છાયામાં બેસીને પોતા પાસે જે ભાતું હતું તે કાઢીને તેઓ નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. શિવાલયમાં એક બાવો રહેતો હતો તેની પાસેથી એક કોરો ઘડો લઈને રણમલ્લનો ભત્રીજો નદીમાંથી પાણી ભરી આવ્યો અને સર્વ જનો નાસ્તાને ઇન્સાફ આપવા બેસી ગયા. ખાદ્ય પદાર્થો સાધારણ પ્રકારના હતા અને તે પણ એટલા અલ્પ પરિમાણમાં હતા કે જો છચ્છર, રણમલ્લ તથા રણમલ્લનો ભત્રીજો પેટ ભરીને ખાય, તો ખેંગારજી તથા સાયબજીમાટે કાંઈ પણ બાકી ન રહે અને છચ્છર આદિનું પેટ પણ ભરાય કે કેમ, એની પણ શંકા જ હતી. આવી પરિસ્થિતિને જોઇને છચ્છરે પ્રથમ ખેંગારજી તથા સાયબજીને તેમના પૂરતો ભાગ કાઢી આપ્યો અને રણમલ્લના ભત્રીજાને પણ કાંઇક વિશેષ ભાગ આપીને કહ્યું કે: "આપ પેટ ભરીને જમી લ્યો; કારણ કે, અમો બન્ને નગરમાં જઈએ છીએ એટલે જો જરૂર પડશે, તો અમે તો ત્યાંથી કાંઈ વેચાતું લઈને પણ ખાઈ શકીશું." નાસ્તો થઈ રહ્યા પછી છચ્છરે દશેક કોરી ખેંગારજી પાસેથી લઈ લીધી અને રણમલ્લને સાથે લઇને નગરમાં જવામાટે ત્યાંથી પ્રયાણ કર્યું.

છચ્છર તથા રણમલ્લના જવા પછી અશ્વ તથા ઊંટપરના સાજ તથા કાઠાને ઊતારીને રણમલ્લના ભત્રીજાએ વટવૃક્ષની છાયામાં પથારી કરી અને ખેંગારજી તથા સાયબજીને તેપર બેસાડીને કહ્યું કે: "અન્નદાતા, આપ અહીં વિરાજો અને વિશ્રામ કરો. છચ્છરભાઈ તથા મારા રણમલ્લ કાકા નગરમાંથી પાછા આવે, ત્યાં સુધી હું પણ આપના આ અશ્વ તથા અમારા બે ઊંટોને જંગલમાં લઈ જઈને ચારી આવું."

"આનંદથી જાઓ અને અશ્વ તથા ઊંટોને ચારીને પાછા વહેલા આવી પહોંચો; કારણ કે, છચ્છર ભાઈ તથા તમારા કાકા જો વહેલા આવી લાગશે, તો અમારે વળી આપને શોધવા પડશે" ખેંગારજીએ જવાની અનુમતિ સાથે સત્વર પાછા આવવાની સુચના પણ આપી દીધી.